સર્ગ  ત્રીજો

અંતરના પ્રદેશોમાં પ્રવેશ

 

વસ્તુનિર્દેશ

 

           પામર બાહ્ય પ્રકૃતિના આવરણમાંથી નીકળીને સાવિત્રી અંતરના પ્રદેશોમાં પ્રવેશ કરે છે. તરેહતરેહના ગણગણાટોમાં વ્યગ્ર રહેતા મનમાંથી છૂટીને એ એક અજબ પ્રકારે અંતરમાં જાય છે. પોતે જાણે એક નરી ચૂપકી હોય એવી બની જાય છે. પણ પાછી એ પોતાના વિચાર કરતા મનના સ્વરૂપમાં આવી અને સામાન્ય માનવી જેવી બની ગઈ. સપાટી પરના સ્વરૂપને જ આત્મસર્વસ્વ માનતા ભૂત-કાળના માનવ અજ્ઞાનમાંથી એ માર્ગ શોધતી હતી, ત્યાં એક અવાજ આવ્યો :

             " તારે પોતાને માટે જ નહીં પણ માનવજાત માટે તું મેળવવા માગે છે. પ્રભુ પોતે માનવતા ધારણ કરે તો જ તે માનવને પ્રભુમાં વિકસિત કરી શકે છે. તુંય તારા જડ શરીરમાં ધુલોકમાં જન્મેલા તારા આત્મસ્વરૂપને પ્રાપ્ત કર."

              સાવિત્રી શરીરમાંથી નીકળીને વેંતપૂર બહાર ઊભી, ને ત્યાં રહી પોતાની સૂક્ષ્મ સત્તાનાં ઊંડાણોમાં નજર કરી જોયું તો એને લાગ્યું કે પોતે ગૂઢ ચૈત્ય-આત્મા છે. આંતર જીવના અબનૂસના દરવાજા ઉપર એણે દબાણ કર્યું અને અધ્યાત્મ સ્પર્શના આ અત્યાચાર સામે એણે ફરિયાદ કરી. અંદરથી એક અવાજ આવ્યો :  " પાછો જા, ઓ પૃથ્વીના જીવ ! પાછો જા,  નહિ તો રિબાઈ રિબાઈને દીર્ણ વિદીર્ણ થઈ તું મરી જશે."

               ઊમરા ઉપરનો સર્પ ફૂંફાડા મારતો ઊભો થયો, અંધકારના શિકારી સારમેયો મોં ફાડીને ઘૂરક્યા, ભૂતપિશાચોએ ભવાં ચઢાવી તાકવા માંડ્યું, વિકરાળ હિંસ્રે થિજાવી નાખે એવી ગર્જના કરી, પણ તેમ છતાં સાવિત્રીએ બારણા ઉપર દબાણ વધાર્યું અને એ ઊઘડયું. વિરોધક બલોએ પોતાની રક્ષક સેના પાછી લઈ લીધી. સાવિત્રી અંદરનાં જગતોમાં પ્રવેશ પામી અને મહામહેનતે પોતાના ચૈત્ય પ્રતિ માર્ગ કરવા લાગી.

૩૮


        એક ખતરનાક હદ પાર કરતાં સાંધ્ય અંધાર આવ્યો. પ્રાણ ત્યાં અવચેતનમાં ડબૂકતો હતો, યા તો જડતત્ત્વમાંથી  મનની અરાજકતામાં પ્રવેશવા પ્રયત્ન કરતો હતો. સ્વચ્છંદી સત્ત્વો ને અસંયત  બલો ત્યાં ગોલમાલ મચાવી રહ્યાં હતાં. ત્યાં હતું તો બધું, પરંતુ કશુંય એના નિયત સ્થાનમાં ન 'તું. એમ કરતાં કરતાં એ રૂપ હોય એવી વસ્તુઓના પ્રદેશમાં આવી, પણ ત્યાંય પ્રાણના પોકારો ને ગોટાળો તો હતો જ. ચૈત્ય આત્મા ત્યાં હતો નહિ. એકેએક બળ ત્યાં પોતાની જાત સિવાય બીજા કોઈની પરવા કર્યા વિના પ્રવર્તતું હતું અને વિવેકબુદ્ધિને એના જડમૂળમાંથી ઉખેડી નાખવા માગતું હતું. બળ વિનાનો ચૈત્ય છુપાઈને સૂઈ રહ્યો હોય ને માત્ર ઇન્દ્રિયોની સહજવૃત્તિઓ જ ત્યાં હોય એવું લાગતું હતું. પણ મનને ખાડામાં નાખી દીધું હોય ત્યાં મહિમા ને જવાલા ક્યાંથી આવે ?  એના વિનાનું બધું અવ-ચેતન અંધકારમાં લીન થઈ જાય છે ને  સ્વભાવના માર્ગો પર માત્ર અરાજકતા જ ચાલતી હોય છે ને ત્યાં નથી હોતો પ્રકાશ, નથી હોતો આનંદ ને નથી હોતી કશી શાંતિ.

        આ જોખમને સાવિત્રીએ આઘું હડસેલી મૂક્યું, પોતાના સંકલ્પબળથી ત્યાંનાં ધાડાંનો સામનો કર્યો અને પરિત્રાતા નામ ઉપર મનને  સ્થિર કર્યું. પરિણામે આસપાસનું બધું શાંત અને સ્થિર બની ગયું અને પોતે નિર્મુક્ત થઈ ગઈ. સ્થૂલ મનનું અને અચિત્ ની ભૂંજરનું  દબાણ દબાઈ ગયું, પણ ત્યાં તો પ્રાણે પોતાનું રાક્ષસી માથું ઊંચક્યું. એની ઉપર ચૈત્ય પુરુષનું કે મનનું શાસન ચાલતું ન હતું. મહાસાગરની ભરતીની જેમ એ ઊછળી આવ્યો. પ્રભુએ એની નિર્બંધ શક્તિને વશ વર્તવું જોઈએ એવી એની માગણી હતી. હૃદયનું એ અનુમોદન માગતો 'તો, સાવિત્રીનો આત્મા એવી લાલસા ઉપર મહોરછાપ મારે એવું એ ઈચ્છતો હતો. સારી પ્રકૃતિની ક્ષુધા એનામાં ભરેલી હતી. પાતાળોમાંથી એનું પ્રલોભન આવતું, મધ-મીઠું મધ ને મૃત્યુ એ આણતો, મારનાર બળને એ બોલાવતો, હાનિકારક હર્ષોને માટે જતો, ઊર્ધ્વે આરોહતો, ગર્તોમાં ગરક થતો, મધુર અનુરાગ અને તીવ્ર દ્વેષ, તડકોછાંયડો, હાસ્ય અને રુદન, સ્વર્ગમાં વિશ્વાસ અને નરક  સાથેનો નાતો, આવા આવા વિરોધોમાં એ વિહરતો. ભય, હર્ષ, નિરાશા, અને જાદૂગરી ભર્યો આ પ્રાણ હવે દૂર ઓસરી ગયો. બધું શાંત થઈ ગયું. સાવિત્રીનો આત્મા નીરવ અને નિર્મુક્ત બની ગયો.

           આત્માની વ્યાપક ચૂપકીદીમાં થઈને આગળ વધતાં સાવિત્રીએ એક ઝગમગ થતા વ્યવસ્થાપિત અવકાશમાં આવી. ત્યાં પ્રાણની ઉદ્દામ સ્વચ્છંદતા ઉપર અંકુશ મુકાયો હતો. એની પ્રચંડતાઓ ત્યાં દબાવી દેવાયેલી હતી, એનું બંડખોર બળ શૃંખલિત બનાવવામાં આવ્યું હતું. એને નસીબે હવે મુક્તિ વગરનો મહિમા રહ્યો હતો. એના સેવકો-મન અને ઇન્દ્રિયો-એના આવાસ ઉપર રાજ્ય ચલાવતાં હતાં. બુદ્ધિનું સમતોલ રાજ્ય હવે સુવ્યવસ્થા અને શાંતિ સાચવતું હતું. બુદ્ધિના

૩૯


ધારાધોરણોમાં આત્માનું સર્વશક્તિમાન સ્વાતંત્ર સપડાવવામાં આવ્યું હતું, ભાવનાનું ક્ષેત્ર મર્યાદિત બનાવાયું હતું, વિચારને જડ જમીન જોડે જડી દેવામાં આવ્યો હતો. જિંદગી જનાનખાનાની એક બાઈ જેવી બની ગઈ હતી. પ્રાણનું સાહસ અને સ્વચ્છંદના સપાટાઓ ચાલ્યા ગયા હતા.

           કર્મ અને વિચારના ચણતરથી એક દીવાલ રચાઈ હતી. અલ્પ આદર્શો ચૈત્યાત્માને સીમિત બનાવી દેતા હતા. એક આગવા ઈશ્વરને આરાધના અર્પતી હતી. વિશ્વને માટે બંધ રાખેલાં બારણાંવાળા મંદિરમાં વિશ્વસ્વરૂપ પ્રભુની પ્રાર્થના થતી હતી. અથવા તો નિરાકારની આગળ બધા ઘૂંટણિયે પડતા, પાવક પ્રેમની પ્રતિ મન બંધ રહેતું, ધાર્મિક માન્યતાઓ અધ્યાત્મ સત્યની ઉપર સીલબંધી કરતી.

            અહીં આત્મા નહિ, મન માત્ર હતું અને એ જ આત્માનું ને ચૈત્યનું સ્થાન દાવો કરી લઈ લેતું. આત્મા વિચારના મહિમામાં ડૂલ થઈ ગયો હતો. એક પ્રકાશ સૂર્યને અદૃશ્ય બનાવી રહ્યો હતો. અહીં બધું જ સ્થિર હતું, સ્વસ્થાનમાં હતું, અંતિમ હતું. આવા તર્કબદ્ધ, શિલીભૂત સ્થાનમાંથી એક જ્ઞાની આગળ આવ્યો ને ઈશ્વરવાણી જેવાં વાક્યો ઊચાર્યો :

           " ઓ આંતર જગતના જાત્રી જીવ !  ઓ જીવનની પૂર્ણતાના અભીપ્સુ ! તારે જે જોઈતું હોય તે અહીંથી મેળવી લે. અહીં સત્ય છે, અહીં પ્રભુની સંવાદિતા છે. અમારા પત્રકમાં તારું નામ નોંધાવી દે; પ્રભુએ જીવનને માટે સંમત કરેલું સઘળુંય અહીંયાં છે. અહીં છે છેલ્લી દીવાલની સલામતી, જ્યોતિની તરવારની ચમકતી ધાર અહીંયાં છે, દોષમાત્રથી મુક્ત મહાસમુદાયનો મણિ અહીં ઝબકારા મારી રહ્યો છે. સ્વર્ગનો ને સંસારનો માનીતો બનીને, ઓ હે જીવ !  તું અહીંયાં રહે."

            પરંતુ એ તર્કબુદ્ધિના માર્યાદિત બનાવતા, હૃદયની ભાવોષ્મા વિનાના સ્વયમ-સંતુષ્ટ રાજ્યમાં સાવિત્રીએ ગહન દૃષ્ટિનો છુટકારો, હૃદયનો પશ્ન કરતો આંતરિક અવાજ નાખ્યો ને જવાબમાં કહ્યું, "ભલે તમને તમારું સત્ય મળ્યું હોય, સનાતન નિયમ મળી આવ્યો હોય, ભલે તમે શ્રદ્ધાના અચળ ખડક ઉપર ઊભો હો, ને તમારી ખોજ પૂરી થઈ ગઈ હોય, આભાસી વસ્તુઓનું વ્યવસ્થાબદ્ધ જ્ઞાન તમને ભલે મળ્યું હોય, તમને એ મુબારક હો !  પણ હું હ્યાં રોકાઈ જવા માગતી નથી, મારે તો મારા ચૈત્ય આત્માની પ્રાપ્તિ કરવી છે." 

              સૌને અચંબામાં નાખીને સાવિત્રી આગળ ચાલી. નિજાત્માની નીરવતામાં થઈને જતાં એક માર્ગ આવ્યો. ત્યાં જગતની ગૂઢ દીવાલે પહોંચવા માટે નીકળેલું ઉત્સાહપૂર્ણ, પ્રદીપ્ત પગલાંએ ચાલતું, સૂર્યોજજવલ નયનોથી નિહાળતું એક વૃન્દ જોવામાં આવ્યું. એ હતા આપણાં ગૂઢ માહાત્મ્યોમાંથી આવતા સંદેશવાહકો, ગુપ્ત આત્મગુહામાંથી આવેલા મહેમાનો. તેઓ આપણી અધ્યાત્મ નિદ્રામાં આક્રમણ કરી ઘૂસી આવતા હતા ને આપણી જાગ્રત અવસ્થા ઉપર અસીમ આશ્ચર્યમયતા,

૪૦


આવ્યા જ કરતી દીપ્તિમંત ભાવનાઓ, અણજન્મી સત્યતાનાં સૂચનો આપતાં સ્વપ્નાં વેરતા હતા. અદભુત દેવતાઓ, આશાની વીણા સાથે આવેલા દૈવતવંતા દેવો, મોટાં મોટાં શિશસુભગ સુદર્શનો, અભીપ્સાનું સૂર્યોત્કીર્ણ ઉત્તમાંગ, તારકોમાંથી કંડારી કાઢેલાં અંગો, સામાન્ય જીવનને ઉદાત્ત અને અભિજાત બનાવી દેતા ભાવો એ ઉદાર હાથે આપતા હતા.

            સાવિત્રી એ વૃન્દમાં ભળી જઈ એમણે ધારણ કરેલી અધ્યાત્મજ્યોતિને ઝંખવા લાગી ને  એમના અનુકરણમાં પ્રભુના જગતને બચાવી લેવાની લાલસાથી લાલાયિત થઈ. પણ એણે પોતાના હૃદયમાં ઉદભવેલા ઉચ્ચ આવેશો લગામમાં લઈ લીધા, કેમ કે એને  ભાન હતું કે પોતે તો પોતાના ચૈત્ય આત્માની શોધમાં નીકળેલી  છે.  જેઓ પોતાની જાતનો ઉદ્ધાર કરે છે તેઓ જ બીજાઓનો  ઉદ્ધાર કરી શકે છે. ઊલટસૂલટ અર્થમાં એણે જીવનની સમસ્યાના સત્યની સંમુખતા સાધી. પેલું વૃન્દ દુઃખી જનો માટે જ્યોતિ લઈને બહારના જગત તરફ જતું હતું ને એની પોતાની આંખો સર્વના શાશ્વત પ્રભવસ્થાન પ્રત્યે વળેલી હતી. હાથ ઊંચા કરીને એણે પેલા વૃન્દને ઊભા રહી જવા માટે પોકાર કર્યો :

             " ઓ સુખિયા દેવો ! તમે જ્યાંથી આવો છો તે જ સાચે તમારું ધામ હોવું જોઈએ. મારે ગૂઢ અગ્નિનું ઉત્પત્તિસ્થાન જોવું છે, મારા અંતરમાંના ગુપ્ત ચૈત્ય-પુરુષનું ગહન ધામ જોવું છે. ત્યાં જવાનો માર્ગ મને બતલાવતા જાઓ."

              નિદ્રાના દૂરના કિનારે, આંતર જગતની એક આઘેરી પૃષ્ઠભોમમાં આવેલી એક અસ્પષ્ટ અરવતા તરફ આંગળી ચીંધી એક જણ બોલ્યો :

              " સાવિત્રી !  અમે તારા ગુપ્ત ચૈત્યાત્માંથી આવીએ છીએ. અમે છીએ સંદેશવાહકો, નિગૂઢના દેવતાઓ. અમે જગતને સૌન્દર્ય પ્રતિ, વસ્તુઓમાં રહેલી અદભુતતા પ્રતિ જાગ્રત કરીએ છીએ, દિવ્યતાનો સ્પર્શ સમર્પીએ છીએ, પાપ મધ્યે પુણ્યની અમર જ્યોતિ જગાવીએ છીએ, અજ્ઞાનતાના માર્ગો ઉપર જ્ઞાનની મશાલ ધરીએ છીએ. તારો ને માનવમાત્રનો જ્યોતિ માટેનો જે સંકલ્પ છે તે અમે છીએ. પ્રભુની ઓ માનવ પ્રતિકૃતિ ! પ્રભુના ઓ છદ્મવેશ ! પેલા વળાંક લેતા જગતના મુખ્ય માર્ગે જા, એના મૂળ સુધી જા. જ્યાં વિરલાઓનાં પગલાં પડયાં છે એવી એક નીરવતામાં એક ખુલ્લા પાષણ પર પ્રજ્વલિત પાવક જોવામાં આવશે, ને ગહન ગુહામાં તારા ચિદાત્માનાં તને દર્શન થશે."

               પછી સાવિત્રી એ દિશા તરફ વળી. અજ્ઞાત ગહાનોમાંથી થોડાંક દેદીપ્યમાન સ્વરૂપો પ્રકટ થયાં અને એને પોતાની અમર આંખોએ જોવા લાગ્યાં. ત્યાંથી ચિંતન-નિમગ્ન ચૂપકીદીમાં એકે અવાજ હતો નહીં. ત્યાં ચૈત્ય આત્માનું મૌન સાન્નિધ્ય અનુભવાતું હતું.

૪૧


   

આરંભે મનના કાર્યવ્યગ્ર ગણગણાટથી

અંત:ક્ષણતણા જાદૂ વડે એ બ્હાર નીકળી,

જાણે બજારની ભીડતણા ઘોંઘાટમાંહ્યથી

આવી ના શું હોય કોઈ ગુહામહીં,

ચૂપ કો રિકતતા એક સુકઠોરા આત્મા એનો બની ગઈ :

જેની લેવા મુલાકાત આવતો ના હતો સૂર વિચારનો

તે તેનું મન જોતું 'તું તાકી તાકી કો એક શૂન્ય સિન્ધુની

મૂક અનંતતા પ્રતિ.

ઓસર્યાં શિખરો એનાં ને ઊંડાણો પૂઠે બંધ થઈ ગયાં;

એની સમીપથી સર્વ ગયું ભાગી એને શૂન્ય તજી દઈ.

પરંતુ જવ એ આવી પાછી પોતના વિચાર-સ્વરૂપમાં,

તવ એ માનુષી પાછી બની પૃથ્વીતણી ગઈ,

જડતત્ત્વતણો પિંડ, બંધ દૃષ્ટિતણું ગૃહ,

અજ્ઞાનના વિચારોને કરનારું મન બેળે બની ગઈ,

બેળે કામે લગાડેલી પ્રાણશક્તિ કર્મો કેરા પડાવમાં

જ્યાં સીમિત કેઈ દેતું ક્ષેત્ર એનું જગ છે જડતાતણું.

સપાટી પરના વ્યકિતરૂપને જે નિજાત્મારૂપ માનતો

તે મનુષ્યતણા અજ્ઞાન ભૂતના

કોક્ડામાં થઈ માર્ગ સાવિત્રી નિજ શોધતી

આશ્ચર્યચકિતા એક અજ્ઞાની જનના સમી.

નિગૂઢ શિખરો કેરો નિવાસી કો બોલ્યો એક અવાજ ત્યાં :

" શોધે છે તું મનુષ્યાર્થે, ન તું ખાલી નિજ અર્થે જ શોધતી.

માનુષી મનને ધારે પ્રભુ પોતે જ જો અને

મર્ત્ય અજ્ઞાનનો છદ્મવેશ વાઘામહીં સજે,

અને વામન પોતાને બનાવી દે ત્રિવિક્રમ,

તો જ મનુષ્યને રૂપ પ્રભુનું પામવામહીં

એ સાહાય્ય કરી શકે.

વૈશ્વિક મહિમા કાર્ય કરે ધારી છળવેશ મનુષ્યનો,

ને શોધી એહ કાઢે છે દરવાજો છે જે ગૂઢ અગમ્ય તે,

ને સોનેરી દ્વાર ખોલી નાખે છે અમૃતાત્મનું.

મનુષ્ય માનવી છે તે પ્રભુ કેરાં

માનવી પગલાંઓનું અનુવર્તન આદરે.

૪૨


   

જ્યોતિનું કરવાનું છે તારે દાન મનુષ્યને

સ્વીકારીને એહના અંધકારને,

છે મહાસુખ દેવાનું સ્વીકારીને એહના દુઃખશોકને.

જડ-જાયા શરીરે તું શોધ તારા સ્વર્ગ-જાયા ચિદાત્મને."

પછી બહાર સાવિત્રી નિજ દેહ કેરી દીવાલમાંહ્યથી

તરંગાયિત નીકળી

ને વેંતપૂર એ ઊભી બહાર નિજ જાતથી,

ને ઊંડાણોમહીં જોયું નિજ સૂક્ષ્મ સ્વરૂપનાં,

ને કળીમાં પદ્મ કેરી તેમ તેણે એના હૃદયની મહીં

પોતાના ગુપ્ત ને ગુહ્ય ચિદાત્માનું એધાણ અવલોકિયું.

બારણે ત્યાં છાયલીન ભીતરી જિંદગીતણા,

દૈનિક મનને જેહ

રચી આડ જવા ના દે ઊંડાણોમાંહ્ય આપણાં,

જવા ના દે તે બધું જે જીવે માત્ર અમુચ્છવાસે શરીરના,

સાવિત્રીએ ટકોરો જ્યાં માર્યો, દાબ્યું બારણું અબનૂસનું,

ત્યાં દ્વારે જીવતા કીધો કિચૂડાટ ગમગીન મિજાગરે :

કચવાતે મને એણે ફરિયાદ જડભાવ ભરી કરી

અત્યાચારતણી સામે આત્માએ કીધ સ્પર્શના.

મહીંથી ગરજી ઊઠયો ઘોષ એક ભયંકર :

" જા પાછો, જીવ પૃથ્વીના,

નહીં તો તું રીબાવાઈ વિદારાઈ મરી જશે."

અંધારા અબ્ધિના જેવો ઊઠયો એક મર્મરાટ ડરામણો,

રાક્ષસી ગૂંચળાંવાળો જીવલેણ ફણા રક્ષક ઊંચકી

ફુંફાડા મારતો ઊઠયો  મહાનાગ ઊમરા પરનો તહીં,

ઘૂરક્યા જડબાં ફાડી સારમેયો શિકારના,

ભૂત-પિશાચ-વેતાલો ચડાવીને ભવાં તાકી રહ્યાં તહીં,

ત્રાડો હિંસાળની દેતી થિજાવી રક્ત ત્રાસથી,

તર્જના ગર્જવા લાગી રવે ભીષણતા ભર્યા.

ધડકાવણ સંકલ્પ સાવિત્રીનો અક્કડ આગળા પરે

જોશભેર દબાણ લાવતો ગયો :

વિરોધ દાખવ્યે જાતો દરવાજો

હીંચકાઈ આખોયે ઊઘડી ગયો,

ભીષણ ચોકિયાતોને

પાછા વાળી લીધા પેલાં બળોએ પ્રતિરોધતાં;

૪૩


   

ભીતરી ભુવનો મધ્યે સાવિત્રીનો આત્મા પ્રવેશ પામતો.

અવચેતનના દ્વાર રૂપ એક સંકડાયેલ માર્ગમાં

મુશ્કેલી ને કષ્ટ સાથે સાવિત્રી શ્વસતી હતી,

ઇન્દ્રિયાવેદના કેરા અવગુંઠનની મહીં

રહેલા અંતરાત્માને શોધવા મથતી હતી.

ઠાંસી ઠાંસી ભરાયેલા સૂક્ષ્મ દ્રવ્યતણી મહીં,

શક્તિના આંધળા એક મોટા ઢેરે ભરાયેલી બખોલમાં,

દોરી વિમાર્ગ જાનારી જ્યોતિઓના વિરોધમાં,

ન દેખી શક્તિ દૃષ્ટિતણા વિકટ વિધ્નમાં

બળાત્કારે કર્યો એણે માર્ગ ચૈત્ય પ્રત્યે શરીરમાં થઈ.

અવચેતન અંધારે જિંદગી જ્યાં ડબૂકતી,

યા જડદ્રવ્યમાંહીથી એ પ્રયાસ કરી કરી

મન કેરા ગોલમાલે પ્રવેશતી,

ઝોલેઝોલાં ભમે છે જ્યાં સત્ત્વો ભૌતિક તત્ત્વનાં,

જ્યાં પાંખો ફફડાવીને

ઊડે અસ્પષ્ટ આકારો અર્ધ-દેહી વિચારના,

ને કાચા થાય આરંભો અનિયંત્રિત ઓજના,

સાવિત્રી તે સ્થાનમાં થઈ સંચરી.

મુશ્કેલીએ ભરી એક સંકડાશ હતી આરંભમાં તહીં,

હતું દબાણ ત્યાં એક અનિશ્ચિત બલોતણું

ને સંકલ્પોતણું પ્રવહતા જતા;

કેમ કે ત્યાં હતું સર્વ, કિંતુ સ્થાને પોતાના ના હતું કશું.

ઉઘાડ આવતો કોક વાર, દ્વાર બેળે ખુલ્લું થયું હતું;

અવકાશોમહીં ગુપ્ત આત્મા કેરા એ પસાર થતી હતી

અને સંચારમાર્ગોમાં ચાલતી 'તી એ અભ્યંતર કાળના.

આખરે વસ્તુઓ કેરા રૂપે એક એણે માર્ગ કર્યો બળે,

આરંભાતી સાંતતા ત્યાં, હતો લોક તહીં સંવેદનાતણો :

પરંતુ હજુ ત્યાં સર્વ ગોટાળામાં હતું અને

સ્વત:-પ્રાપ્ત ન 'તું કશું.

હતો ના ચૈત્ય આત્મા ત્યાં, હતા માત્ર પોકારો જિંદગીતણા.

ઠસોઠસ અને શોરે ભરી ઘેરી વળી એને હવા તહીં.

અર્થ કેરી અવજ્ઞાઓ કરનારા અવાજો ઝુંડ ઝુંડ ત્યાં,

બસૂરો એક સંઘર્ષ બૂમો કેરો

અને સાદ વિપરીત હતા તહીં;

૪૪


 

દૃષ્ટિને લંઘતાં ટોળેટોળાંમાં દૃશ્યદર્શનો,

 અર્થ-અન્વય ના એવી ધક્કાધક્કી હતી ક્રમે,

ઠાસી ભારે ભર્યા હૈયામહીં થઈ

લાગણીઓ ધસીને આવતી હતી,

માર્ગ પ્રત્યેક પોતાનો  કરતું 'તું અસંગત અલાયદો,

પ્રેરણ સ્વ અહંતાનું છોડી એને કશાનીય પડી ન 'તી.

સર્વસામાન્ય સંકલ્પ વિનાનું એકઠું થવું,

વિચાર સ્થિર તાકીને જોતો અન્ય વિચારને

ને તાણ આણતો તંગ થતા મસ્તિષ્કની પરે,

ઉખેડી નાખવા જાણે માગતો એ બુદ્ધિને નિજ સ્થાનથી

ને જીવનતણા માર્ગ-બાજુની ખાળકૂઈમાં

ફેંકી દેવા માગતો એ હોય જાણે મૃત એના શરીરને;

આવી રીતે ચોકિયાત ચૈત્ય કેરો હણાયલો

અને તજાયલો  પંકે પ્રકૃતિના પડયો ર્ હે વીસરાયલો.

આ પ્રકારે પ્રાણ-શક્તિ મનના આધિપત્યને

ખંખેરી અળગું કરે,

ત્યાગી શાસન આત્માનું  દે સ્વભાવ,

અને માત્ર આદિ તાત્ત્વિક ઓજસો

અસીમ વિષયાનંદે મહિમા માણતાં બને,

રંગરાગે મચે મત્ત નિર્વિશેષ મહાસુખ.

હતી ઇન્દ્રિય કેરી આ સહજ-પ્રેરણા જહીં

ચૈત્ય આત્મા હતો નહીં,

કે જયારે ઊંઘતો ચૈત્ય શક્તિહીન છુપાયલો,

કિંતુ ભીતરમાં હાવે જાગે છે દેવ પ્રાણનો

અને પરમને સ્પર્શે ઉદ્ધારે ઊર્ધ્વ જિંદગી.

પરંતુ ઘોર ગર્તે જો ફગાવાઈ દેવાતું મન હોય તો

મહિમા દિવ્ય ને જવાલા આવવાનાં કઈ વિધે ?

કેમ કે ન મનોહીન દેહે પ્રકાશ સંભવે,

આત્મ-સંવેદના કેરો ન પ્રહર્ષ, ન મુદા જિંદગીતણી;

અવચેતન અંધારું બધુંયે બનતું પછી,

મરાઈ જાય છે મુદ્રા અચિત્ કેરી પાને પ્રકૃતિના પછી,

નહીં તો મત્ત કો એક અવ્યવસ્થા મસ્તિષ્ક ઘુમરાવતી

જતી ઝડપથી માર્ગો પર ધ્વસ્ત નિસર્ગના,

અંધાધૂંધી અસ્તવ્યસ્ત આવેગી વૃત્તિઓતણી

૪૫


 

જેમાં ન શક્તિ આવી જયોતિ,આનંદ, શાંતિ કો.

આ અવસ્થા હવે એને ધમકી આપતી હતી,

હડસેલા સાથ એણે નિજથી દૂર એ કરી.

લાંબી અંત વિનાની ને ઉછાળાએ ભરી કોક ગલીમહીં

ઉતાવળે જતા ખૂંદી નાખનારા સમૂહમાં

હંકારાઈ જતું હોય કોઈ તેમ ઘડી પર ઘડી હતી

પગલાં માંડતી એ ને છૂટકો મળતો નહીં,

સ્વસંકલ્પબળે ભાન વિનાના જડ જૂથના

હુમલાને હઠાવતી;

કાઢી બહાર એ ઘોર ભીંસમાંથી ઘસડી એ જતી હતી

નિજ સંકલ્પને, ને જે કરે રક્ષા તે મહાનામની પરે

કરતી 'તી સ્થિર એ સ્વ વિચારને :

તે પછી સ્થિર ને ખાલી થયું સર્વ; ને એ મુક્ત બની ગઈ.

આવ્યો એક મહામોક્ષ, આવ્યો શાંત વિશાળ અવકાશ કો.

અદૃશ્ય સૂર્યથી એક આવનારા અનાવૃત પ્રકાશની

રિકત પ્રશાંતિની મધ્યે એ અલ્પ કાળ સંચરી,

અશરીરી સુખાવસ્થારૂપ જે રિકતતા હતી,

અનામી શાંતિની એક મહાસુખદ શૂન્યતા.

પરંતુ મોખરો હાવે વધુ જબ્બર જોખમે

ભર્યો આવ્યો સમીપમાં :

દૈહિક મનનો દાબ ને ભૂંજર અચેતના

લક્ષ્યહીન વિચારોની ને સંકલ્પ સાવિત્રીથી સરી પડયાં.

ઝઝૂમ્યું નિકટે આવી

જિંદગીનું ઘોર માથું અવચેત ને વિરાટ પ્રમાણનું,

મનનું ને ચિદાત્માનું જે ન શાસન માનતું.

એણે એક ધસારામાં

ઉચાળા મારતો વેગ સંયોજયો સર્વ શક્તિનો,

જોખમી સિધુઓ કેરા જોર જેવું એણે સ્વ બળને કર્યું.

એના નીરવ આત્માની નિઃસ્પંદ સ્થિતિની મહીં,

શુભ્રતાની મહીં એના અવકાશીય ધ્યાનની

જુવાળ એક ને એક વેગવંત ઓઘ પ્રાણ-પ્રદેશનો

ઘૂસ્યો જોર કરી ગ્રીષ્મકાળની વાલુકાતણા

પટે પાંડુર જે રીતે સપાટે પવનોતણા

ભીડભાડે મચ્યાં મોજાં ઊતરી પડે;

૪૬


 

એણે કાંઠા ડુબાડયા ને આરોહંત તરંગનો

બની પર્વત એ ગયો

બેશુમાર હતો એનો ઘણો મોટો ઘોષ આવેશથી ભર્યો.

દોડતાં દોડતાં એણે સાદ દીધો એના સુણંત આત્માને,

માગણી કરતો 'તો એ કે ઉચ્છૃંખલ શક્તિના

 વશવર્તી બને પ્રભુ.

હતો એ બધિરા એક શક્તિ મૂકાવસ્થા પ્રત્યે નિમંત્રતી,

મૂગા વિરાટમાં એજ હજારો સ્વર એ હતો,

પ્રમોદ પકડી લેવા કેરા એના પ્રયત્નને

માટે દાવો કરી ટેકો હૈયાનો એહ માગતો,

પ્રવૃત્તિ અર્થની એની જરૂરને

માટે અનુમતિ ચ્હાતો હતો એ સાક્ષિચૈત્યની,

માગતો 'તો મ્હોરછાપ સાવિત્રીના ઉદાસીન ચિદાત્મની

શક્તિ કેરી નિજ લોલુપતા પરે.

સાવિત્રીના નિરીક્ષંતા આત્માની પૃથુતામહીં

મોટો આડંબરી એણે પ્રાણોચ્છવાસ આણ્યો આવેગથી ભર્યો;

એના ધોધ-ધસારાએ વિશ્વ કેરી આશાઓ ને ભયો વહ્યા,

સારા જીવનકેરો ને સારી પ્રકૃતિનો વહ્યો

અસંતુષ્ટ પોકાર ભૂખથી ભર્યો,

ને તીવ્ર લાલસા જેને પૂરવા ના શકત સારીય શાશ્વતી :

ચૈત્યનાં શૈલ-એકાંતો પ્રત્યે જવા માટે એ સાદ પાડતો,

ને ચમત્કારની પ્રત્યે અગ્નિ કેરા મૃત્યુ જેનું કદીય ના,

સર્જક ધબકારમાં જિંદગીના છુપાયલી

અવર્ણ્ય આદિ કો એક સંમુદાયની સાથે એ બોલતો હતો;

રસાતલી ન દીઠેલાં ઊંડાણોમાંથી ખેંચી લાવતો હતો

અવ્યવસ્થિત આનંદમત્તતાનું પ્રોલોભન

અને જાદૂ અજાયબી,

પૃથ્વીતણે પ્રકાશે એ રેલતો 'તો

અને અટપટી મોટી મોહિનીઓતણી ભુલભુલામણી,

અને કુદરતી કાચા ઘૂંટડાઓ માથે કેફ ચઢાવતા

અને નિષિદ્ધ ઉલ્લાસ કેરી તેજી અને માર્મિક ગુઢતા

પિવાતી જગના કામવાસનાના અતલાતલ કૂપથી,

લાલસા ને મૃત્યુ કેરી મધ જેવી મીઠડી વિષ-વારુણી,

કિંતુ એને કલ્પતો એ પ્રાણનાં દૈવતોતણા

૪૭


 

મહિમાના મહાસવો,

ને પ્રહર્ષણનો સ્વર્ણ-દંશ સ્વર્ગીય માનતો.

યુગોના ઘટનાચક્રે ચાલનારી કામનાની અનંતતા

અને જેણે બનાવ્યું છે અસાક્ષાત્કૃત વિશ્વને

વિજ્ઞાત વિશ્વ છે તેથી બૃહત્તર

ને અવિજ્ઞાત છે તેથી સમીપતર છે કર્યું,

શિકારી કૂતરા જેમાં મન ને જિંદગીતણા

શિકારે નીકળેલ છે,

તેની ગૂઢ રહસ્યાત્મક પ્રક્રિયા,

એણે ઊંડું પ્રલોભાવ્યું અસંતુષ્ટ અંતરે એક પ્રેરણ

ને પ્રવૃત્ત કર્યું એને જે અસિદ્ધ અને સદૈવ દૂર છે

એને માટે અભિલાષ નિષેવવા,

ને સીમિત કરી દેતી

ધરાની આ જિંદગીને આરોહણ બનાવવા

શૂન્યે અદૃશ્ય થાનારાં ઊંચેનાં શિખરો પ્રતિ,

ખોજ એક મહિમાર્થે અશકયના.

જે કદાપી ન 'તું જ્ઞાત તેનાં એ સ્વપ્ન સેવતું,

જે કદી ન થયું પ્રાપ્ત તેને ગ્રાહે લેવા લંબાવતું કરો,

જલદી જ ગુમાવાતી હૈયાની હર્ષણાથકી

મોહિનીઓતણો પીછો લઈને એ પ્રવેશતું

દિવ્યાનંદધામની સ્મૃતિની મહીં;

મારક બળની સામે એણે સાહસ આદર્યું,

હર્ષો સામે હાનિકારી ખડું હિંમતભેર એ,

અસિદ્ધ વસ્તુઓ કેરા પ્રતિબિંબિત રૂપની

ને જાદૂઈ મોહિનીના વિરૂપાંતર સાધતા

નૃત્ય માટે આવનારા આમંત્રણતણી પ્રતિ,

રાગાવેગતણો ભોગ પ્રેમનાં પ્રાંગણોતણો,

લાતાલાતી ને ઉછાળા ઝાડ થનાર જંગલી

જનાવરતણા સૌન્દર્ય ને જીવન સંગના,

તે સૌ સામે ઊભું એ ધૃષ્ટતા ધરી.

આણી એણે બૂમ એની, ને જુવાળ વિરોધી શક્તિઓતણો,

ભાસ્વંત ભૂમિકાઓના સ્પર્શની એહની ક્ષણો,

આરોહો અર્ચિઓ કેરા આણ્ય એણે

અને આણ્યા મહાયત્નો વ્યોમને લક્ષ્ય રાખતા

૪૮


 

વાયુઓ પર બાંધેલ એના સ્વપ્ન-મિનારાઓ ભભૂકતા,

અંધકાર અને  ઘોરગર્ત પ્રત્યે થતાં એનાં નિમજ્ જનો ,

મધુ માર્દવનું એનું, ને તીક્ષ્ણ મધ વૈરનું,

સૂર્ય ને વાદળા કેરાં , હસ્ય ને અશ્રુઓતણાં

આણ્યાં એણે પોતનાં પરિવર્તનો,

એના અતલ ને ભોએ ભર્યા ખાડા, ગળી જાનાર ગહવરો,

એનો ભય અને હર્ષ, સંમુદા ને નિરાશાની વિષાદિતા,

ગુહ્ય જાદૂગરીઓ ને એની સરળ પદ્ધતિ,

મહાન ભાઈચારાઓ, ગતિઓ ઊર્ધ્વ પ્રેરતી,

આસ્થા સ્વર્ગમહીં એની વ્યવહાર એનો નરક સાથનો.

આ શક્તિઓ ન 'તી બુઠ્ઠી, જડ ભારે ભરેલી જગતીતણા,

દેતી 'તી એ સુધાસ્વાદ, દેતી 'તી દંશ ઝૈરનો

દૃષ્ટિમાં જિંદગી કેરી હતો એક ઉત્સાહ ઓજથી ભર્યો

જે ઘૂસર હવામાંહે રાત્રિ કેરી

હતો આકાશને જોતો આસમાની સ્વરૂપમાં:

ભાવાવેશતણી પાંખે પ્રભુ પ્રત્યે આવેગો ઊડતા હતા.

પોતાની ઉચ્ચ ઘાટીથી

વિચારો મનના વેગી ગતિએ પ્લવતા હતા,

ઇન્દ્રધનુષ્યના રંગોવાળી યાળ સમાણી દીપ્તિ ધારતા,

અંતઃસ્ફુરણની શુદ્ધ જ્યોતિ કેરા અલંકાર ન હોય શું;

એ જવાલા-પાદની એની છલંગોને વિડંબી શકતા હતા :

અવાજો મનના ચાળા પ્રેરણાના તાનના પાડતા હતા,

સ્વરભારવતી એની અચૂકતા

અને ઝડપ કેરા ને

દેવોની વીજવેગીલી સ્વર્ગગામી છલંગના

ચાળા એ પડતા હતા.

સંદેહજાળને છેદી નાખતી તીક્ષ્ણ ધાર ને

વિવેકબુદ્ધિની એની તરવાર પ્રાયઃ સ્વર્ગીય લાગતી.

છતાંયે સર્વ એ જ્ઞાન હતું લીધું ઉધારમાં

સૂર્યના જ્ઞાન પાસથી;

જે રૂપોમાં આવતું એ તે હતાં ના જન્મ પામેલા સ્વર્ગથી :

હતું જોખમકારી ને નિર્બાધ બળ એહનું,

પ્રભુના મધની સાથે વિષને એ ભેળવી શકતું હતું.

આ ઉચ્ચ ને પ્રકાશંત પીઠે જૂઠની સવારીય શક્ ય છે;

૪૯


 

સાનંદ ઢળતું સત્ય બાહુઓમાં ભ્રમના ભાવથી ભર્યા,

વ્હેણ સાથે સરી જાતું ઓપવાળી ઉલ્લાસી નાવડી મહીં :

સત્યે સ્વ-રશ્મિની ધારે હતું રાખ્યું આલેશાન અસત્યને.

પ્રાણના નિમ્ન દેશોમાં હ્યાં વિરુદ્ધો સર્વ સાધે સમાગમો;

તાકે છે સત્ય ને આંખે પાટા સાથે કરે છે નિજ કાર્યને,

અહીં અજ્ઞાન રાખે છે પ્રાજ્ઞતાને નિજાશ્રયે.

ઉત્સાહી ઝડપે પેલી ખરીઓનિ પૂરપાટ થતી ગતિ

લઈ જઈ શકે એક વચમાંના  ભયપૂર્ણ પ્રદેશમાં,

અમર્ત્ય જિંદગી કેરો જામો પ્હેરી મૃત્યુ છે ચાલતું જહીં.

અથવા તો પ્રવેશે એ ખાઈમાં ભ્રાંત રશ્મિની

જ્યાં બંદી કે બલિદાનો બને જીવ સત્યાભાસી પ્રકાશના,

ને ફંદામાં ફસાયેલા કદી ત્યાંથી છટકી શકતા નથી.

તેઓ આડતિયાઓ છે, નથી શેઠ, ફંદામાં કાળના રહી

પ્રાણના કામનાઓને પૂરવા એ હમેશાં વૈતરું કરે.

શરીર તેમનાં જન્મ પામેલાં કો શૂન્યના ગર્ભમાંહ્યથી

ક્ષણનાં સપનાંઓમાં જીવાત્માને જાળબદ્ધ બનાવતાં,

પછીથી પામતાં નાશ વમી અમર આત્મને

જડદ્રવ્યતણા ઉદરોમાંહ્યથી,

એને શૂન્યાકાર કેરી મોરી મધ્યે ફગાવતાં.

પસાર તે છતાં ત્યાંથી કેટલાક થઈ શકે

પકડાઈ કે હણાઈ ગયા વિના;

સત્યની પ્રતિમાને તે વહી જાય નિજ રક્ષિત હાર્દમાં,

ભ્રમભૂલતણી આડવાળી પકડમાંહ્યથી

લેતા તે જ્ઞાન ઝૂંટવી,

ક્ષુદ્ર સ્વાત્મતણી અંધ ભીંતો પાર તોડીને માર્ગ મેળવે,

અને આગે કરે યાત્રા પ્હોંચવાને વિશાળતર જીવને.

આ સર્વ સ્રોતની જેમ સાવિત્રીની સામે થઈ વહી ગયું,

અને દર્શનની એની દૃષ્ટિને લાગતું હતું

કે જાણે કો શબ્દહીન ઉચ્ચસ્થાની દ્વીપની આસપાસમાં

અજાણ્યા દૂરના પ્હાડો પરથી આવતાં જળો

મચ્યાં કોલાહલે હતાં,

ઉપરાઉપરી ભીડાભીડ મોજાં એમનાં આવતાં હતાં,

તે ઓહિયાં કરી જાતાં સાંકડા એહના તટો

ને ઉદ્દામ શ્વેત ફીણતણું ભૂખ્યું જગ એક બનાવતાં :

૫૦


 

કરોડો ચરણોવાળો વ્યાલ એક ઉતાવળો,

ફીણ ને ઘોષની સાથે

પીધેલા કો દૈત્ય કેરા ઘોર ઘોંઘાટથી ભર્યો,

પ્રભુના વ્યોમમાં યાળ અંધારાની ઉછાળતો,

ઓસરી એ ગયો ઓટે, રહી માત્ર દૂરની એક ગર્જના;

પછી પાછી હસી એક હવા વ્યાપ્ત વિશાળી શાંતિએ ભરી :

નીલ આકાશ ને લીલા ધરા, ભાગીદાર સૌન્દર્ય-રાજ્યનાં

બની સુખતણાં સાથી પૂર્વની જેમ જીવતાં;

અને વિશ્વતણે હૈયે હસી ઊઠયો આનંદ જિંદગીતણો.

હતું નિઃસ્પદ સૌ હાવે, હતી ભૂમિ સૂકી શુદ્ધ પ્રકાશતી.

આ સર્વમાંહ્ય સાવિત્રી કરતી ન હતી ગતિ,

મોઘ મોજાંમહીં મગ્ન થતી નહીં.

બૃહત્તામાંહ્યથી મૌન આત્મા કેરી

જિંદગીનો શોર ભાગી ગયો હતો;

આત્મસત્તા હતી એની મૂક ને મુક્તિ માણતી.

 

પછી આત્માતણા મોટા મૌનમાંથી કરી આગે મુસાફરી

આવી એ દીપ્તિમંતા ને સુસ્થિત અવકાશમાં.

રહેતી 'તી જિંદગી ત્યાં સ્થપાયેલી સશસ્ર સ્થિર શાંતિમાં;

બળવાન અને બંડખોર હૈયું એનું સાંકળમાં હતું.

કેળવાઈ હતી એહ મિત-વેગી ધારવાને વિનીતતા,

ન'તી એ રાખતી જોરદાર એના ઝપાટાઓ છલંગતા;

એણે લાપરવાઈએ ભરી ખોઈ

હતી ઓજઃપૂર્ણ ચિંતનલીનતા

ને ગુમાવી હતી એની ભરપૂર ભવ્યતા રાજતેજની;

જબરી ધામધૂમો ને બાદશાહી જેવો એનો બિગાડ સૌ

નિયંત્રિત થયાં હતાં,

મત્તતા ભર મસ્તીની પર એની કાબૂ આવી ગયો હતો,

ઉડાઉ ખરચો એનાં કપાયાં 'તાં કામનાના બજારનાં,

મજબૂર બનાવાયો  હતો આપખુદ સંકલ્પ એહનો,

એની તરંગિતા કેરું નૃત્ય દાબ  નીચે આવી ગયું હતું,

દંગો ઇન્દ્રિયનો બાંધ્યો ગયો 'તો કો

નિરુત્સાહી ભાવની શૂન્યતા વડે.

જિંદગીના જોશ કેરી છલંગોને

૫૧


 

ઢાળી 'તી એમણે પાકી રચેલી માર્ગરેખમાં.

એને ભાગ્યે મુક્તિમુક્ત હતું રાજ્ત્વ એકલું;

રાજા સિંહાસનારૂઢ પ્રધાનોની આજ્ઞાઓ પાળતો હતો :

મન ને ઇન્દ્રિયો એના ચાકરો તે

એને ગેહે હતા રાજ્ય ચલાવતા,

અને બખ્તરિયા એક જૂથથી નિયમોતણા

રક્ષતા 'તા બુદ્ધિ કેરા સમતોલિત રાજ્યને,

વ્યવસ્થા રાખતા 'તા ને શંતિ સાચવતા હતા.

એનો સંકલ્પ રે' તો 'તો

કાયદાની વજ્ર જેવી દીવાલોમાં પુરાયલો,

શોભાવવાતણો ઢોંગ કરતી સાંકળો થકી

શક્તિ એની બળાત્કારે બેઈલાજ બની હતી,

કલ્પનાને કેદ એક કિલ્લામાંહે કરી હતી,

મનોમોજી અને સ્વેચ્છાચારી એની કૃપાનું પાત્ર જે હતી;

સંતુલા સત્યતા કેરી અને સંમિતિ બુદ્ધિની

સ્થાનમાં કલ્પના કેરા હતી દેવાઈ ગોઠવી,

ને વાસ્તવિકતાઓને ચોકી માટે વ્યૂહબદ્ધ કરી હતી,

સિંહાસનતણે સ્થાને ચૈત્યાત્માને મળ્યો 'તો મંચ ન્યાયનો,

અને રાજ્યતણે સ્થાને જગ નાનું વિધિ ને વિધિસૂત્રનું:

જમાનાઓતણું જ્ઞાન પંડિતોની પ્રથામહીં

સંકોચાઈ ગયું હતું,

પરમાત્માતણું સર્વશક્તિમાન સ્વાતંત્ર્ય ન હતું અહીં :

વિશાળું જીવનક્ષેત્ર પંતૂજીને મને વશ કર્યું હતું,

કિંતુ કંગાલ ને ક્ષુદ્ર કોટડીઓ વાસ માટે વરી હતી,

ને તેય અતિશે મોટા અને જોખમથી ભર્યા

વિશ્વથી દૂરમાં હતી,

કે અનંતમહીં એનો આત્મા લીન રખે ને થાય એ ભયે.

વિશાળા ભાવનાનાય વિસ્તારે ત્યાં કાપ મુકાયલો હતો

અને એને અપાયું 'તું રૂપ સિદ્ધાંતવાદનું

ને એ બાંધી રખાયો 'તો સ્થિર સ્તંભે વિચારના,

કે નક્કર જમીને એ જડાયો 'તો દ્રવ્ય સાથે રિવેટથી :

નહીં તો લુપ્ત થતો 'તો આત્મા એનાં પોતાનાં શિખરો પરે :

આદર્શનો શિરોમાન્ય કરી ગર્વધારી બૌદ્ધિક કાયદે:

૫૨


 

વિચાર સ્થાપતો ગાદી સારહીન હવામહીં,

ઉવેખીને ધરા કેરી નરી નીરસ તુચ્છતા :

રોકીને રાખતો બ્હાર સત્યતાને સ્વ-સ્વપ્નોમાંહ્ય જીવવા.

બધું યા તો જતું માંડી પગલાંઓ ક્રમોએ બદ્ધ વિશ્વમાં :

જિંદગીનું રાજ્ય એક ચાલાવાતા ખંડનું રૂપ ધારતું,

એના વિચાર સેના શા શ્રેણિબદ્ધ શિસ્તપાલન સેવતા; 

કેળવાયેલ ને સોની ટુકડીની નાયકી કરતું મન

આપતું હુકમો જે જે તે તેના અનુસારમાં

ગણવેશ પહેરીને હતા રાખી રહેલ એ

નક્કી થયેલ પોતાના સ્થાનની તર્કસંગતિ.

યા તો પ્રત્યેક પોતાના સ્થાને તારા જેમ પદ ધરી જતો,

યા તો નિશ્ચિત ને રાશિબદ્ધ વ્યોમે પ્રયાણ કરતો હતો,

યા તો સામંતચક્રે એ પોતાનું પદ રાખતો

વ્યોમના ના ફેરફાર પામનારા વિશ્વવર્તી પદક્રમે.

યા તો કુલીન નિર્દોષ નેત્રોવાળી કો એમ કન્યકા સમું,

બુરખા વણ જાહેર માર્ગોએ છે જવાની જેહને મના

જિંદગીએ બદ્ધ એકાંત વાસોમાં હરવું ફરવું રહ્યું,

એનો ભાવ વિહારોમાં કે બાગોના રાહોએ જ રહી શકે.

જિંદગીને અપાયો 'તો માર્ગ એક સલામત અને સમ,

મોટાં મુશ્કેલ શૃંગોએ જવા માટે મથતી એ ન સાહસે,

કે કો એકલ તારાના પડોશે ચડવાતણું

કે જોખમતણી ધારે જવાનું કો સાવ સીધા પ્રપાતના,

ન એ સાહસ ખેડતી,

કે ફેને વીંટળાયેલી ભગ્નતરંગમાળનું

ભયે ભરેલ જ્યાં હાસ્ય ત્યાં જવાની હિંમત ભીડતી ન 'તી, 

સાહસોનાંઊર્મિગીતો ન 'તી ગાતી,

શોખ ન્હોતી  રાખતી જોખમોતણો,

કે એના અંતરાવાસે દીપ્ત ના કો દેવતાને નિમંત્રતી,

કે તજી લોકસીમાઓ સીમા ના જયાં તહીં  જઈ

ભાવાવેશે ભર્યે હૈયે ભેટતી ના ભવના ભજનીયને,

કે અંતરતણી આગે ભુવને ના હતી આગ લગાડતી.

ગધે જીવનના એક સંયમી ઉપનામ એ,

સંમત સ્થાનમાં માત્ર રંગ એને પૂરવો પડતો હતો,

કલ્પનાભાવની ક્ક્ષા બ્હાર એને ન 'તી છૂટ જવાતણી,

૫૩


 

લયમેળોતણી મધ્યે અતિશે ઉચ્ચ કે બૃહત્

મર્યાદાનો કરી ભંગ એ જઈ શકતી ન 'તી.

આદર્શની હવામાંયે ઊડતો જવ હોય એ

ત્યારેય નીલ આકાશે ઉડ્ડયન વિચારનું

ન 'તું લુપ્ત થઈ જતું :

વ્યોમોમાં દોરતો 'તો એ પુષ્પની પ્રતિરૂપતા

જ્યાં શિસ્તબદ્ધ સૌન્દર્ય ને સ્વારસ્યે શોભમાના પ્રભા હતી.

મિતાચારી સાવધાન આત્મા રાજ્ય ચલાવતો

હતો જીવનની પરે :

એનાં કાર્યો હતાં શસ્ત્રો વિમર્શંત વિચારનાં,

એટલાં તો હતાં ઠંડાં કે એ પોતે ભભૂકવા

કે ભભૂકાવવા વિશ્વ શક્તિમાન હતાં નહીં,

કે કૂટનીતિની ચાલો રૂપ તેઓ હતાં સાવધ બુદ્ધિની,

પૂર્વકલ્પિત ઉદ્દેશ્ય માટેનાં સાધનોતણી

કરી જોતાં ચકાસણી,

કે એ સર્વોચ્ચ કક્ષાએ યોજના કો શાંત સંકલ્પની હતાં,

કે દેવોના ગુપ્ત કોષો જીતી લેવા માટેની ચાલ યુદ્ધની

અંતરર્યામી કોઈ ઉચ્ચ સેનાનીના નિદેશની,

કે વેશપલટે રે'તા રાજા માટે

જીતી લેવા મહિમાધામ કો જગત્ ,

ન એ સહજ આત્મનું પ્રતિબિંબન પાડતાં,

સત્-તા અને અવસ્થાઓ એની તેઓ હતાં સૂચવતાં નહીં,

ન સચૈતન્ય આત્માનાં તેઓ ઉડ્ડયનો હતાં,

નિઃસ્પંદ પરમાત્માની સાથેની જિંદગીતણી

ઘનિષ્ઠતાતણાં ન 'તાં પ્રતીક પાવન

કે શાશ્વતતણે પંથે પવિત્ર ગતિ એહની.

યા તો શરીરને માટે ઉચ્ચ કો ભાવનાતણા

ગૃહ એક રચાયું 'તું ગોઠવીને ઈંટો છેક અડોઅડ;

કર્મ-વિચાર બન્નેએ પાકો સંયોગ મેળવી

રચી 'તી ક્ષુદ્ર આદર્શો કેરી ભીંત

સીમાબદ્ધ કરતી ચૈત્ય આત્મને.

ધ્યાન સુધ્ધાંય ધ્યાતું 'તું બેસી સંકટ આસને;

ઐકાંતિક પ્રભુ પ્રત્યે પૂજાભાવ વળ્યો હતો,

એક મંદિરમાં વિશ્વરૂપને પ્રાર્થતો હતો

૫૪


 

જે મંદિરતણાં દ્વારો વિશ્વ માટે હતાં બંધ રખાયલાં:

પડતું 'તું ઘૂટણે યા અશરીરી અવ્યક્તરૂપ અર્ચતું

મન એક વસાયેલું પ્રેમપોકાર ને પ્રેમાગ્નિની પ્રતિ :

તર્ક વાદ પરે સ્થાપ્યો ધર્મ હૈયું સૂકવી નાખતો હતો.

હતો એ યોજતો કાર્યો નિબાર્ધ જિંદગીતણાં

નિયમે નીતિશાસ્ત્રના,

અથવા કરતો હોમ અગ્નિજવાળા વિનાના શીત યજ્ઞમાં.

પડયો 'તો ધર્મનો ગ્રંથ એના પવિત્ર પાટલે,

ભાષ્યના રેશમી દોરે લપેટીને રખાયલો:

સિદ્ધાંતમતથી એનો દિવ્ય અર્થ સીલબંધ બન્યો હતો.

 

   [ શાંત પ્રદેશ હ્યાં એક હતો કીલિત ચિત્તનો,

પ્રાણ હ્યાં ન હતો સર્વ કાંઈ, ને ના

ભાવોદ્રેક કેરો અવાજ હ્યાં હતો;

પોકાર ઇન્દ્રિયગ્રામ કેરો ડૂબી ગયો 'તો ચૂપકી મહીં.

ન 'તો ચૈત્ય, ન 'તો આત્મા, મન કેવળ ત્યાં હતું;

ને પોતે ચૈત્ય ને આત્મા હોવા કેરો દાવો એ કરતું હતું.

પોતાને પેખતો આત્મા મનના એક રૂપમાં,

લોપ પામી જતો પોતે મહિમામાં વિચારના,

જે વિચાર હતો જ્યોતિ સૂર્ય જેમાં પામી અદૃશ્યતા જતો.

સાવિત્રી અવ આવી કો દૃઢ ને સ્થિર સ્થાનમાં,

જ્યાં નિઃસ્પંદ હતું સર્વ

અને જ્યાં વસ્તુઓ સર્વ નિજ સ્થાન સાચવી રાખતી હતી.

પ્રત્યેક કરતું પ્રાપ્ત પોતે જેની પ્રાપ્તિની શોધમાં હતું

અને એને હતું જ્ઞાન સ્વ લક્ષ્યનું.

સૌમાં અંત્ય પરાકાષ્ઠા પામેલી સ્થિરતા હતી. ]*

 

  *      ( સાંકડી જિંદગીના આ પગપાળા વિચાર ને

સંકલ્પ નીકળ્યા બ્હાર નાના એક ખંડના અવકાશમાં

જ્યાં ન 'તો ચૈત્ય, ને ચિત્ત વિચાર કરતું જહીં

ક્ષુદ્ર નિશ્ચિતતાઓથી રહી તુષ્ટ પ્રપાસ કરતું હતું,

એ એને લાગતું અગ્ર સત્-તા કેરા વૃત્તખંડતણું અને

જિંદગીની ખોજ કેરું અંતે આવેલ વર્તુલ.

હતું એ સ્વર્ગનું ધામ અભિષિક્ત આરામાર્થે વિચારના

જ્યાં કશું ઢૂંઢવાનું કે જાણવાનું ન 'તું બાકી રહી ગયું,

હતું મંદિર એ એક સુજ્ઞ સંતુષ્ટ પ્રાણનું. )

૫૫


 

તહીં આગળ આવી કો ખડો એક મહતત્વે પૂર્ણ મસ્તકે

અને દંડે એના હાથમહીં હતો;

એની ચેષ્ટા અને એના અવાજમાં

મૂર્ત્તિમંતી આદેશાત્મકતા હતી;

કંડારાઈ હતી એની વાણી જ્ઞાને પાષણીભૂત રૂઢિના,

દેવવાણીતણી ગંધ એનાં વાક્યોમહીં હતી.

" ઓ મુસાફર યા યાત્રી અંતર્વર્તી જગત્ તણા,

નસીબદાર છે તું કે પામ્યો છે તું પરમોચ્ચ વિચારની

નિશ્ચયાત્મક પ્રોજજવલંતી અમારી સપ્રભા હવા.

જિંદગીના શ્રેષ્ઠ માર્ગ માટે ઓ હે અભીપ્સું ! તું

અહીંયાં કર પ્રાપ્ત તે;

વિરમી શોધમાંથી જા અને શાંતિમહીં રહે.

અમારું ધામ છે ધામ વૈશ્વ નિશ્ચિતિનું ધ્રુવા.

અહીં છે સત્ય, છે આંહી પ્રભુની સ્વરમેળતા.

દે તારું નામ નોંધાવી વિશિષ્ટોની વહી મહીં

અલ્પોની સંમતિ દ્વારા થઈ દાખલ જા, અને

લે તારું જ્ઞાનનું સ્થાન, લે તારી માનસે જગા,

જિંદગીની ઓફિસેથી કઢાવી લે તારી ટિકિટ વર્ગની.

ને જે ભાગ્યે બનાવી છે

અમારા માંહ્યની એક તને તેને પ્રશંસ તું.

જે બધું હ્યાં સૂચિપત્રી ગ્રંથે બદ્ધ થયેલ છે,

પ્રભુ જીવનને જેની આપે છે છૂટ, તે બધું

અને જે કાયદા કેરી યોજનામાં પડેલ છે

તે સર્વ જાણવા કેરી શક્તિ છે મનની મહીં.

આ છે અંત અને એની પાર બીજું કશું નથી. 

આખરી દીવાલ કેરી છે અહીંયાં સલામતી,

અહીંયાં સ્પષ્ટતા સ્વચ્છ જ્યોતિની તરવારની,

અહીંયાં છે જય એક જ સત્યનો

અહીંયાં જવલતો હીરો નિર્દોષ સંમુદાતણો.

સ્વર્ગ ને પ્રકૃતિ કેરું કૃપાપાત્ર, નિવાસ કર આ સ્થળે."

પરંતુ અતિસંતુષ્ટ જ્ઞાનીને એ આત્મવિશ્વાસ દાખતા

દેતી ઉત્તર સાવિત્રી, એના જગની મહીં

દૃષ્ટિની મુક્તિ ઊંડેરી ને સંદેહ બતાવતો

શબ્દ અંતરનો નાંખી હૃદયે જન્મ પામતો.

૫૬


 

કેમ કે હ્યાં ન 'તું હૈયું બોલતું, માત્ર બુદ્ધિની

પ્રભા દિવસની સ્પષ્ટ હતી રાજ્ય ચલાવતી,

માર્યાદિત કરી દેતી, ઠંડીગાર ને ભરી ચોકસાઈથી.

" છે તેઓ સુખિયા જેઓ વસ્તુઓની આ અરાજકતામહીં,

કાળનાં પગલાંઓની થતી આ આવજામહીં

મેળવી શકતા એકમાત્ર સત્ય અને ધર્મ સનાતન :

આશા, શંકા અને બીકે એ અસ્પષ્ટ રહી જીવન જીવતા.

સુખિયા છે જનો જેઓ

આ અનિશ્ચિત સંદિગ્ધ જગમાં સ્થિર માન્યતા

પર લંગર નાખતા,

યા તો ઉર્વર ભૂમિમાં હૈયા કેરી ઉપ્ત છે જેમણે કર્યું

બીજ નાનું અધ્યાત્મ ધ્રુવતાતણું.

સૌથી વધુ સુખી છે તે જે ઊભા છે શ્રદ્ધાના શૈલની પરે.

પસાર પણ મારે તો થવાનું છે

તજીને આ અંત પામેલ ખોજને,

તજીને સત્યનું પૂરું પરિણામ આ

દૃઢ ને અવિકાર્ય જે,

અને જગતના તથ્થતણું શિલ્પ તજી સંવાદિતા ભર્યું,

આભાસી વસ્તુઓ કેરા વ્યવસ્થાએ બદ્ધ આ જ્ઞાનને તજી.

હ્યાં રહી શકતી ના હું, કેમ કે ઢૂંઢું છું મુજ આત્મને."

શુભ્ર સંતુષ્ટ એ વિશ્વે કોઈયે ના વધું કાંઈ જવાબમાં,

યા તો અભ્યસ્ત માર્ગોએ માત્ર તેઓ પોતપોતાતણા વળ્યા,

એ હવામાં પ્રશ્ન જેવું સુણી આશ્ચર્ય પામતા,

કે વિચારો પાર પ્રત્યે હજી પણ વળી શકે

અને વિલોકી બની વિસ્મિત એ જતા.

પરંતુ બબડયા થોડા વટેમાર્ગુ સગોત્ર ગોલોકોતણા;

આપ્યો નિર્ણય પ્રત્યેકે સાવિત્રીએ ઉચ્ચારેલ વિચારનો

પોતાના પંથના રૂઢ સિદ્ધાંત અનુસારમાં,

" તો છે આ કોણ કે જેને નથી જ્ઞાન

કે આત્મા એક નાનામાં નાની છે ગ્રંથી કે છે દોષ સ્રાવનો,

જેનાથી મનના સુજ્ઞ રાજ્યે વ્યાપે અશાંતતા,

કે જે મસ્તિષ્કને કાર્યે અવ્યવસ્થિતતા ભરે,

કે જે પ્રકૃતિના મર્ત્ય ગ્રહે રે'નાર ઝંખના,

કે કર્ણમાં જપાયેલું સ્વપ્ન પોલા વિચારની

૫૭


 

ગુહામાંહ્ય મનુષ્યની,

લંબાવવા ચહે છે નિજ સ્વલ્પ દુઃખી જીવનકાળને,

કે બાઝી જિંદગીને જે રહે છે મૃત્યુસાગરે ? "

બોલ્યા બીજા, " નહીં, એ તો ઢૂંઢે છે નિજ આત્માને.

પ્રભુના નામની છે જે છાયા વૈભવશાલિની,

છે પ્રકાશ નિરાકાર આદર્શના પ્રદેશનો,

મન કેરો પવિત્રાત્મા છે જે પરમપૂરષ;

સીમાઓ કિંતુ એની ના સ્પર્શી કો'એ કે જોયું મુખ એહનું.

પ્રત્યેક ચૈત્ય છે ક્રોસે ચઢાવેલો પુત્ર પરમ તાતનો,

મન છે ચૈત્ય કેરો એ એકમાત્ર પિતા, ચિન્મય કારણ,

ભૂમિકા જે પરે કંપે અલ્પ કાળ માટેની ભંગુર પ્રભા,

મન સર્જક છે એકમાત્ર દૃશ્ય જગત્ તણો.

જે બધું છે અહીંયાં તે છે વિભાગ આપણા જ સ્વરૂપનો;

મનોએ આપણાં સર્જ્યું છે જગત્ જ્યાં આપણે રહીએ છીએ."

ગૂઢવાદી અન્ય એક ને અસંતુષ્ટ આંખનો,

જે હણાયેલ પોતાની માન્યતા ચાહતો હતો

ને જે એના મૃત્યુના શોકમાં હતો,

તે બોલ્યો, " છે રહ્યું એક જે શોધે પારપારને ?

શોધી હજી શકશે શું માર્ગ, ખોલી શકાશે દ્વાર શું હજી ? "

 

આમ એ સંચારી આગે મૌન વ્યાપ્ત નિજ આત્મામહીં થઈ.

આવી એ એક માર્ગે જ્યાં હતી ભીડ ઉત્સાહી એક વૃન્દની,

પાવકીય પદે દીપ્ત તેઓ આગે જતા હતા,

આંખમાં એમની સૂર્યપ્રભા હતી,

ધસતા એ હતા આગે પ્હોંચવાને ગૂઢ દીવાલ વિશ્વની,

બાહ્ય મનમહીં જાવા ઢાંક્યાં દ્વારમહીં થઈ

જ્યાં નથી આવતી જ્યોતિ, આવતો ના અવાજેય નિગૂઢનો,

અવગૂઢ આપણાં જે છે માહાત્મ્યો ત્યાંના સંદેશવાહકો,

ગુપ્ત આત્મગુહામાંથી આવનારા તેઓ અતિથિઓ હતા.

અધ્યાત્મ ધારણે ઝાંખા ઘૂસી તે આવતા હતા,

યા જાગ્રત અવસ્થાની ઉપરે આપણી હતા

એ મહાશ્ચર્ય વેરતા,

વેરતા 'તા વિચારો એ આવજા જે કરતા 'તા પ્રભાપદે,

અજાત સત્યતા કેરી સૂચનાઓવાળાં સપન સારતા,

૫૮


 

વિચિત્ર દેવીઓને એ લાવતા 'તા

જેમની આર્દ્ર ને ઊંડી આંખોમાં જાદુઓ હતા,

અનિલાલખિયા દેવો બળવંતા આશાના બીનને લઈ,

હેમવર્ણી હવામાંહે સરકંતાં

મહાન દર્શનો ચંદ્રચંદ્રિકાએ ચકાસતાં,

સૂર્યસ્વપ્ન અભીપ્સાનું ધારતા નિજ મસ્તકે,

ને કંડારેલા નક્ષત્રો જેવાં છે અંગ જેમનાં,

સામાન્ય હૃદયોને જે અર્પતા 'તા ઉદાત્તતા

એવા ભાવોવડે ભર્યા.

દેદીપ્યમાન એ વૃન્દે સાવિત્રી સાથમાં ભળી,

ઝંખના સેવતી તેઓ ધારતા 'તા તે આધ્યાત્મિક જ્યોતિની,

તેમની પેઠે લેવાને ઉગારી પ્રભુનું જગત્

ઉતાવળી બની એકવાર લાલાયિતા થઈ;

પરંતુ નિજ હૈયાનો ઉચ્ચાવેગ લીધો એણે લગામમાં;

જાણતી એ હતી કે છે સૌથી પ્હેલાં શોધવાનો નિજાત્મને.

પોતાને જે ઉગારે છે તેઓ માત્ર ઉગારી અન્યને શકે.

ઊલટા અર્થમાં એણે જિંદગીની સમસ્યા રૂપ સત્યની

પ્રત્યે સંમુખતા ધરી;

તેઓ લઈ જતા જ્યોતિ દુખિયારા જનો કને

બાહ્ય જગતની પ્રત્યે ત્વરમાણ આતુર પગલે વધ્યા;

સાવિત્રીની હતી આંખો ફેરવેલી શાશ્વત પ્રભવ પ્રતિ.

લંબાવી હાથ સાવિત્રી ટોળાને રોકવા વદી;

" પ્રકાશમાન દેવોના સુખિયા સમુદાય ઓ !

બતલાવો મને માર્ગ, જાણો છો તે, મારે જ્યાં જોઈએ જવું,

કેમ કે ઊજળો દેશ એ તમારો નિવાસ છે,

મારે મેળવવાનું છે જન્મસ્થાન ગુહાનિહિત અગ્નિનું

ને મારા ગૂઢ આત્માનું ધામ ઊંડાણમાંહ્યનું."

વધો જવાબમાં એક નિર્દેશી મૌન ધૂંધળું

નિદ્રા કેરી કિનારીએ સુદૂરની

અંતર્જગતની કોઈ પૃષ્ઠભૂમિએ દૂરવર્તિની.

" ઓ સાવિત્રી ! અમે તારા ગુપ્ત આત્મામહીંથી આવીએ છીએ.

સંદેશવાહકો છીએ, દેવતાઓ નિગૂઢના,

નીરસ જડસાં મૂઢ જીવનોને મનુષ્યના

સહાય કરીએ છીએ,

૫૯


 

દીપ્તિએ ને દિવ્યતાએ કરીને સ્પર્શ તેમને

સૌન્દર્ય અને વસ્તુજાત કેરી આશ્ચર્યમયતા પ્રતિ

પ્રબુદ્ધ કરીએ છીએ;

પાપમાં પ્રજવલાવીએ છીએ જવાલા સાધુતાતણી

અને અજ્ઞાનમાર્ગોએ જ્ઞાન કેરીમશાલ ધરીએ છીએ;

તારી ને સર્વ લોકોની જ્યોતિ પ્રત્યે અભીપ્સા તે અમે છીએ.

માનુષી પ્રતિમા, છદ્મવેશ ઓ પરમેશના,

શોધે છે જે દેવતા તે તારામાં જ તું છુપાવેલ રાખતી,

ને જેને તેં નથી જાણ્યું તેહ સત્ય વડે તું જીવમાન છે,

વંકાતા વિશ્વના માર્ગે માર્ગે જા તું છે એનું મૂળ જ્યાં તહીં.

જવલ્લે કોઈ પ્હોંચ્ચા છે ત્યાંની નીરવતામહીં,

ખુલ્લી શિલા પરે જોશે જળતો અગ્નિ તું તહીં,

ને તારા ગૂઢ આત્માની જોશે તું ગહના ગુહા."

પછી અનુસરી મોટો માર્ગ બંકિમ જે જતો

ને થતો સાંકડો જેહ હ્રાસ પામી જઈ ક્રમે,

વિરલા ને ઘવાયેલા યાત્રી-પાપ જહીં

ત્યાં સાવિત્રી પછી આવી.

અજ્ઞાત ગહાવરોમાંથી પ્રકટયાં ત્યાં થોડાંક રૂપ ઊજળાં

ને એમણે નિહાળ્યું ત્યાં એની પ્રત્યે શાંત અમર આંખથી.

ન 'તો અવાજ ત્યાં એકે ધ્યાનમગ્ન મૌનમાં ભંગ પાડવા;

હતી અનુભવાતી ત્યાં ચૈત્યાત્માની સ્વરહીન સમીપતા.

૬૦


 

ત્રીજો  સર્ગ  સમાપ્ત